** ઈદની ઇદી**બેગમનો ગુસ્સો સાતમા આસમાને હતો અને તે વાજબી પણ હતો કારણકે ઇદને હવે ફક્ત એક જ અઠવાડિયું બાકી હતું અને પુરા ફેમિલીના કપડાં અને ઇદની વિવિધ જરૂરીયાતોની ખરીદી હજુ બાકી હતી. જુલાઈ મહિનાથી લાગુ થનાર જી.એસ.ટી. પહેલાં જુના હિસાબો સરભર કરવા અને સ્ટોક ક્લીયર કરવાના કામમાં હું અને મારો સ્ટાફ એટલા મશગુલ હતા કે હું બેગમને સમય ફાળવી શકતો ન હતો. આમ છતાં રવિવારના દિવસે ખરીદી કરવા જવાનું વચન આપી દીધું હતું અને એ રવિવારની સવાર પણ આવી ગઈ. સમય કાઢ્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. આપેલ વચન મુજબ ખરીદી કરવા મોલમાં જવા હું તૈયારી કરી રહ્યો હતો.