વૈદેહીસિંહ કોઇ ઘાયલ વાઘણની જેમ પોતાના દિવાનખંડમાં આટાં મારતાં હતા. અનંત ગાયબ હતો અને અભય નામનો યુવાન તેને શોધતો હવેલી સુધી પહોંચી ગયો હતો છતાં તેમને એ વિશે સહેજે અણસાર સુધ્ધા આવ્યો નહોતો એ બાબતનો મલાલ તેમને કોતરી ખાતો હતો. તેમણે દેવા સામું જોયું. એ નજરમાં ક્રોધની જ્વાળાઓ ધધકતી હતી. “મેં તને કહ્યું હતું કે એનું ધ્યાન રાખજે. તારાથી એટલું કામ ન થયું? બેઠા-બેઠા ખાલી વજન વધાર્યે રાખવું છે બસ, સાવ હરામનાં હાડકાં થઇ ગયા છે તારાં.” તેમણે દેવાને બેફામ સંભળાવાનું શરૂ કરી દીધું હતું.