સિગારેટ સળગતી સળગતી છેક ફિલ્ટર સુધી નાં પહોંચી ત્યાં સુધી તે કશ ફૂંકતો રહ્યો હતો. કમલ દિક્ષિતને અહી જોઇને કોણ જાણે કેમ પણ તે અપસેટ થઇ ગયો હતો. તેનું અહી હોવું સહેજે રુચ્યું નહોતું. તે એનો ઉપરી અધિકારી હતો અને તેણે કમલ દિક્ષિતના હાથ નીચે ઘણું કામ કર્યું હતું પરંતુ આજ સુધી એ વ્યક્તિ અફસર તરીકે તો ઠીક પણ માણસ તરીકે પણ તેને ગમ્યો નહોતો. એવું કેમ થતું એનું કોઇ ચોક્કસ કારણ તો તે પણ નહોતો જાણતો.