શહેરમાં ચારે તરફ નાકાબંધી કરી દેવામાં આવી હતી. શહેરની બહાર જતા રસ્તા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પર સઘન ચેકિંગ ચાલી રહી હતી. રાત્રીના બાર વાગ્યાનો સમય થયો હતો. બપોરથી કરીને અત્યાર સુધી કદમ સતત દોડતો રહ્યો હતો. આનંદને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાવી તેમની માતાને તરત જાણ કરી બોલાવવામાં આવી, પછી આનંદની સુરક્ષા માટે તેના કમરાથી હોસ્પિટલ અને હોસ્પિટલની આસપાસ સખત પોલીસ સુરક્ષાની વ્યવસ્થા કરી તે પોલીસ હેડક્વાર્ટર પર પહોંચ્યો હતો. તે સતત ડી.એસ.પી. ભગત સાહેબના સંપર્કમાં હતો.