“ઉત્તર પ્રદેશ પોલીસથી બચવા માટે બબલુ શ્રીવાસ્તવ દિલ્હી ભાગી ગયો ત્યારે પહેલા એણે રોમેશ શર્માના બંગલામાં અને પછી કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીના બંગલામાં આશ્રય લીધો હતો. બબલુ શ્રીવાસ્તવે દિલ્હીમાં બેઠાં બેઠાં દેશના ટોચના શહેરોના શ્રીમંતો પાસેથી પૈસા પડાવવાનો ‘ધંધો’ ચાલુ રાખ્યો. આ ગોરખધંધા માટે એણે એક આગવી ટીમ તૈયાર કરી હતી. જે ભવિષ્યના શિકાર વિશે રજેરજ માહિતી મેળવી લાવતી હતી. જે વેપારી કે ઉદ્યોગપતિનું અપહરણ કરીને પૈસા પડાવવાના હોય એ વેપારી કે ઉદ્યોગપતિના ધંધા કે ઉદ્યોગના મૂડીરોકાણ વિશે, ટર્નઓવર વિશે, પ્રોફિટ વિશે અને એની બે નંબરી આવક તથા કુટુંબ અને ફ્રેન્ડસર્કલ વિશે રજેરજ માહિતી બબલુ શ્રીવાસ્તવની ખાસ ટીમ એકઠી કરી આપતી.