માણસ હિંમત હાર્યા વિના કોશિશ કરતો રહે તો તેને સફળતા મળે જ છે ગલશન ગ્રોવરે પ્રોફેસર કે બૅન્ક ઑફિસર તરીકેની સલામત નોકરીની ઓફર ઠુકરાવીને પોતાને ગમતી જિંદગી માટે સંઘર્ષ વહોરી લીધો હતો! 21 સપ્ટેમ્બર, 1955ના દિવસે દિલ્હીમાં જન્મેલા ઍક્ટર ગુલશન ગ્રોવરની પોતાની જિંદગી કોઈ હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટને ટક્કર મારે એવી છે. 400 ફિલ્મમાં અભિનય કરી ચૂકેલા ગુલશન ગ્રોવરે અભિનેતા બનતા અગાઉ ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. એ સમયની ઘણી રસપ્રદ અને ચોંકાવનારી વાતો તેમણે મુંબઈનાં જાણીતાં અંગ્રેજી પત્રકાર રોશમીલા ભટ્ટાચાર્યની મદદથી લખેલી આત્મકથામાં શૅર કરી છે. આ પુસ્તક વાંચીને ખ્યાલ આવે કે સફળ અભિનેતા બનતા અગાઉ ગુલશન ગોવરે કેવા-કેવ અનુભવોમાંથી પસાર થવું પડ્યું હતું.