દરેક માણસ ક્યારેક ને ક્યારેક પોતાની જિંદગી સાથે વાત કરતો હોય છે. તું આવી કેમ છે? હું ઇચ્છું એ રીતે તું કેમ નથી ચાલતી? હું તને પકડવા ઇચ્છું ત્યારે તું હાથમાંથી સરકી જાય છે અને ક્યારેક ઇચ્છું કે તું હાથમાંથી સરકી જાય ત્યારે તું છૂટતી નથી. આખરે તારે જોઈએ છે શું? ક્યારેક તું ઓગળી જાય છે અને ક્યારેક તું કાળમીંઢ પથ્થર જેવી થઈ જાય છે. ઘણી વખત કોઈ રસ્તો સૂઝતો નથી અને તું નાનકડી કેડી કંડારી આપે છે. તું જ સવાલો આપે છે અને પછી તું જ જવાબો શોધી આપે છે.