દેવ આનંદ જેની નકલ કરતો હતો તે હૉલીવૂડનો ગ્રેગરી પૅક અને સાધના જેની હૅર-સ્ટાઇલની સુંદર કૉપી કરતી હતી (‘સાધના-કટ’) તે ઑડ્રી હૅપબર્નવાળી ૧૯૫૩-માં આવેલી વર્લ્ડ-ક્લાસ ફિલ્મ ‘રોમન હૉલીડે’માં જગતનું સૌથી પહેલું ‘વૅસ્પા’ સ્કૂટર વપરાયું છે. એક પ્રેસ-રીપૉર્ટર ગ્રેગરી પૅક, રોમ જોવા નીકળેલી પ્રિન્સેસ ઑડ્રીને પોતાના સ્કૂટર પાછળ બેસાડીને રોમ બતાવે છે, એની કૉમિક ફિલ્મ હતી. આપણા માટે ‘રોમન હૉલીડે’ ન હોય, ‘કૉમન હૉલીડે’ હોય. પાછળ ઑડ્રી હૅપબર્ન કે સાધના-ફાધના ન હોય, મોટે ભાગે તો પાછળ આપણા બચી-ફોઇને બેસાડ્યા હોય. શ્રીનાથજીના દર્શને લઇ જવાના હોય.