સમુદ્રાન્તિકે - 8

(74)
  • 7.1k
  • 2
  • 4.4k

જૂનની શરૂઆતમાં જ વરસાદ થયો. નૂરભાઈ વરસાદ પડ્યો તેના બીજે દિવસે જ હાજર થઈ ગયો. એકાદ મહિના પછી તે મને મળતો હતો. ‘માલિક, જાસું ફરવા?’ તેણે કહ્યું. ‘ચાલો’, મેં કહ્યું. મે માસના તાપમાં જમીનો માપી માપીને હું કંટાળ્યો હતો. વરસાદ પડતાં જ કબીરાને દૂર સુધી દોડાવી જવાની ઈચ્છા તો મને પણ હતી. હું તૈયાર થઈને નીકળ્યો. બે-ત્રણ કલાક સુધી સવારના વાદળછાયા વાતાવરણમાં અમે રખડ્યા કર્યું. નૂરભાઈએ બીજાં બે-ત્રણ નવાં પક્ષીઓ ઓળખાવ્યા. તેમની બાવળની કાંટ ધોવાઈને તાજી, ઘેરી લીલી લાગતી હતી. લગભગ અગિયાર વાગે નૂરભાઈ છૂટો પડ્યો.