સુભીએ સોફામાં બેઠા બેઠા કાકડી દબાવતી હોય એમ રીમોટ દબાવે રાખ્યું. કોઇ રીસ્પૉન્સ ન આવ્યો. પછી બન્ને અંગૂઠાથી જોર માર્યું, કેમ જાણે એના ગોરધનની આંખોના ડોળા દબાવવાના હોય! ખખડાવી હલાવી પણ જોયું. ત્યારે ખબર પડી કે, રીમોટ ઊંધું પકડ્યું છે. રીમોટનો એક ખૂણો કાનમાં ખંજવાળ્યો. મીઠું લાગતું હતું ને મજો ય પડતો હતો. રીમોટને સોફાની ધાર ઉપર લૂછીને ફરી એક વાર બટન દબાવ્યું. કાંઇ ન થયું. બાજુમાં વૅફર્સની ડિશ પડી હતી એ મન્ચિંગ ચાલુ હતું, એમાં તો એક વખત વેફર્સનું પૅકેટ પણ રીમોટ સમજીને કચડડડ્ડ...દબાવાઇ ગયું, પણ એનો ય રીસ્પૉન્સ આવતો નહતો. એણે ફરીથી બટન દબાવ્યું, આ વખતે જરા ભાર દઇને.....ટીવીએ જવાબ ન આપ્યો.