મારૂં ફૅમિલી ‘સજડબંબ-ફૅમિલી’ તરીકે પ્રસિધ્ધ છે. અમારા ઘરમાં રોજેરોજ કાંઇનું કાંઇ સજડબંબ ચોંટી ગયું હોય. જેમ કે, બાથરૂમનો દરવાજો જામ થઇ જાય કે દવાની બૉટલનું ઢાંકણું ખૂલતું ન હોય. બે-ત્રણ જણા એને ઉખાડવામાં અને બાકીના, એ ચોંટી કેવી રીતે ગયું હશે, એની ચર્ચા કરતા સોફામાં બેઠા હોય. દા.ત. ટૅબલનું ડ્રૉઅર. મોટા ભાગે ટેબલમાં ત્રણ ડ્રૉઅરો હોય, એમાંનું ઊપલું કે વચલું અને ક્યારેક ત્રણે ય સજડબંબ થઇ ગયા હોય ને પૂરૂં ફૅમિલી એને ખોલવામાં સાંજ સુધીમાં ફના થઇ ગયું હોય!