નામ એમનું જલસુભાઇ. વાઇફને સીધું ‘વાઇફ’ કહીને જ બોલાવતા. અલબત્ત, વાઇફનું પોતાનું કહી શકાય એવું આગવું એક નામ હતું, ‘કદમ્બિની’. જ્ઞાતિમાં સદીઓથી ચાલી આવતી ફૅશન મુજબ, નામ અન્ય કોઇએ પાડ્યા ન હોય, એવા જ પાડવાના, પણ આખું ‘કદમ્બિની’ બોલાવતા ને બૂમ પાડતા તો કેટલાને ફાવે? કેટલાકને ‘કદ્દુ’ સહેલું તો પડ્યું, પણ ઘરમાં કોક વળી થોડું હિંદી ભણેલું નીકળ્યું અને સ્માઇલ સાથે સૂચન કર્યું, ‘‘કદ્દુને ગુજરાતીમાં ‘કોળું’ કે કોઇક વળી ‘દૂધી’ પણ કહે છે એટલે આવું ‘નીક નૅઇમ’ સારૂં નહિ લાગે. એટલે કદમ્બિનીને ઘરમાં બધા ‘બિની’ને નામે બોલાવતા. નામમાંથી આખે આખું કદમ્બ વૃક્ષ ઉખાડીને ફેંકી દેવાયું.