લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૮ રાતવાસો કરીને પ્રકાશચંદ્ર ગયા પછી રસીલી એકલી પડી. અને ફરી ફ્લેશબેકમાં સરી પડી. રાત્રે ઘરનો દરવાજો કોઇ જોરજોરથી ખખડાવી રહ્યું હતું. પિતા દારૂની મહેફિલમાં આખી રાત પડી રહેતા હતા અને ત્યાં જ થોડી નીંદર કાઢી સવારે આવતા હતા. ડર અને આશંકા સાથે તેણે ઝટપટ કપડાં બદલી નાખ્યા. તેણે હિંમત કરી બૂમ પાડી:"કોણ છે....?" એક ધીમો પુરુષ સ્વર સંભળાયો:"હું છું...જલદી દરવાજો ખોલ..." રસીલીને સ્વર ઓળખાયો નહીં. તે જ્યાં જ્યાં કામ કરી આવી હતી ત્યાં મળેલા પુરુષોના સ્વરને યાદ કરવા લાગી. તેને કંઇ યાદ આવ્યું નહીં. તેનો કોઇ દીવાનો આવી ગયો તો નહીં હોય ને?