માણસ આદિકાળથી પોતાની આસપાસના વાતાવરણના દ્રશ્યોને જોઈને મુગ્ધ થતો આવ્યો છે. વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ માણસે પોતાની આસપાસના વાતાવરણને દ્રશ્યોમાં સાચવી રાખવા ફોટોગ્રાફી અને તેના પરથી ચલચિત્ર(Motion Pictures)ની શોધ કરી. પોતે રચેલી વાર્તાઓને પોતાની નજર સામે ભજવાતી જોવા માટે તેણે ફિલ્મો બનાવી. ધીરે ધીરે ફિલ્મો લોકમાનસ પર અસર કરનારું અને લોકોના વિચારોમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવનારું સબળ માધ્યમ બની ગયું. ભારતમાં વિશ્વની સૌથી વધુ અલગ અલગ ભાષાની ફિલ્મો બને છે. કમનસીબે આપણી ફિલ્મોની ગુણવતા એટલી સારી નથી હોતી. ઈરાન જેવા રૂઢિચુસ્ત દેશ અને દ.કોરિયા જેવા નાના દેશની ફિલ્મો આપણી ફિલ્મો કરતા ગુણવતામાં વધુ સારી હોય છે.