સાંજે છ વાગ્યે દક્ષિણ ધ્રુવથી ગોળો માત્ર ચાળીસ માઈલ દૂરથી જ પસાર થયો, આ એટલું જ અંતર હતું જેનાથી ઉત્તર ધ્રુવ પર પહોંચી શકાતું હતું. અંડાકાર વળાંકનો જબરદસ્તીથી પીછો કરવામાં આવ્યો. આ સમયે મુસાફરો ફરીથી સૂર્યના આશિર્વાદરૂપ કિરણોના વિસ્તારમાં પ્રવેશ્યા. તેમણે ફરીથી એ તારાઓ જોયા જેઓ ધીરેધીરે પૂર્વથી પશ્ચિમ તરફ સફર કરતા હતા. ચમકદાર સિતારાનું હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું. પ્રકાશ સાથે ગરમી પણ મળી જે લોઢાની દીવાલોમાંથી અંદર આવી. તેના વધવાને સાથે બરફના થર પીગળવા લાગ્યા અને તરતજ કરકસરની તાતી જરૂરિયાત રૂપે ગેસને બંધ કરવામાં આવ્યો, વાયુનું આ સાધન તેના કાયમી જથ્થાનો ઉપયોગ કરી રહ્યું હતું.