હવે પથ્થર ફેંકશે કોણ? પોતે તો હેમંતભાઇના ઘર સુધી જઇ શકશે નહીં. કોઇ એવી વ્યક્તિને શોધવી પડશે જે હેમંતભાઇને ત્યાં નાખી આવવાની હિંમત કરી શકે અને વાત ખાનગી પણ રહે. અર્પિતાએ પહેલાં વિચાર્યું કે ફળિયાના કોઇ નાના છોકરા કે છોકરીને આ કામ સોંપી દઉં. એ પકડાઇ જાય તો પણ વાંધો નથી. હેમંતભાઇને ખબર પડે કે અર્પિતાએ આ કાગળ મોકલ્યો છે તો તેનો પણ કોઇ વાંધો નથી. પછી તેને થયું કે આમ કરવાથી વાત ફળિયામાં કે ગામમાં જાહેર થઇ જાય તો માનું નામ ખરાબ થાય. નાના છોકરા પાસેથી તેના મા-બાપ આ રીપોર્ટ વાંચી લે તો સમસ્યા ઊભી થાય. અર્પિતાએ થોડો વિચાર કર્યો અને તેને વિનય યાદ આવી ગયો.