પરોઢિયે અઢી વાગ્યે ગોળો ચન્દ્રના તેરમા રેખાંશ અને પાંચસો માઈલના અંતરે હતો જેને ઘટાડીને ટેલિસ્કોપે પાંચ માઈલ જેટલું કરી દીધું હતું. તે હજી પણ અસંભવ લાગતું હતું, જો કે તેઓ હજી પણ ચન્દ્રના કોઈ એક ભાગને તો સ્પર્શ કરશે જ એવી શક્યતા જરૂર હતી. તેની હેતુ પ્રાપ્ત કરવા માટેની ગતિ એટલી સાધારણ હતી કે પ્રમુખ બાર્બીકેન માટે તે તદ્દન અયોગ્ય હતી. ચન્દ્રથી માત્ર આટલે દૂર હોવાથી ખરેખરતો ગોળો તેના આકર્ષણને પ્રાપ્ત કરી ચૂક્યો હોવો જોઈતો હતો. કશુંક અસાધારણ તેને એમ કરવાથી બચાવી રહ્યું હતું. આ ઉપરાંત તેઓ આમ થવાનું કારણ શોધવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. ચન્દ્રની તમામ રાહત હવે તેમનાથી દૂર થઇ રહી હતી અને તેઓને તેની એક પણ વિગત ચૂકી જવી પોસાય તેમ ન હતું.