મહાદેવભાઈ બોલતા રહ્યા અને એને સામે છેડે પ્રિયંકા રડતી રડતી એમની વાત સાંભળતી રહી. પરંતુ ફોન મુકાયો ત્યારે મહાદેવભાઈના મનમાં પ્રિયંકાને જીવનનું એક વધુ સત્ય સારી રીતે સમજાવી શક્યાનો સંતોષ હતો, સામે પક્ષે પ્રિયંકાના મનમાં સત્યજીતના લગ્નના સમાચાર જાણ્યા પછી પણ ગુસ્સો કે અકળામણને બદલે પ્રમાણમાં સ્વસ્થતા અને રાહતના ભાવ હતા. પ્રિયંકાએ બે વાર ફોન ઉપાડ્યો, સત્યજીતનો નંબર ડાયલ કર્યો પરંતુ રીંગ વાગે એ પહેલાં જ ફોન કાપી નાખ્યો. એની હિંમત નહોતી થતી સત્યજીત સાથે વાત કરવાની. ક્યાંય સુધી બેચેન થઈને નીચેની લોનમાં એ આંટા મારતી રહી. પછી અચાનક જ રૂમમાં આવીને એણે આદિત્યનો નંબર જોડ્યો. “અરે વાહ! હું તને આજે યાદ આવ્યો, એમને?”