રાજીબહેન અત્યાર સુધી અર્પિતાને ભોળી અને અબૂધ છોકરી જ માનતા હતા. ગામડાની છોકરીઓ કોલુના બળદ જેવી હોય એને જેમ હાંકો તેમ ચાલતી રહે એવી માન્યતા હવે ખોટી પડી રહી હતી. તેમને અર્પિતાના તર્ક પર માન થયું. પણ એમ તે તેની વાતને કારણે હા કહી છે એવું લાગવા દેવા માગતા ન હતા. એટલે બોલ્યા: મારો ફાયદો તો ઠીક છે. પણ તને રચનાની કંપની મળે અને એ બીજો અનુભવ લે એટલે હું રચનાને કોલેજક્વીન સ્પર્ધા માટે રજા આપું છું. તું રચનાને કહી દે કે એ કાલે નામ નોંધાવી દે અને આજથી જ તૈયારી શરૂ કરી દે. અર્પિતા મલકી ગઇ. તેનું તીર બરાબર નિશાન પર લાગ્યું હતું. અર્પિતા મનોમન બોલી ઊઠી: રાજીબહેન, લાભની વાત તો દૂર છે. પણ તું તારા હાથે તારી બરબાદી કરી રહી છે એની તને જ ખબર નથી. જી મેમ, હું જાઉં અર્પિતા આ ખબર રચનાને આપવા ઊતાવળી બની હતી. રાજીબહેન કહે: થોડીવાર બેસ. મારે બીજી વાત કરવી છે. અર્પિતા પાછી ગભરાઇ. વળી નવી સમસ્યા આવવાની છે કે શું