વેવિશાળ - 28

(99)
  • 9.3k
  • 2
  • 5.1k

સુશીલા અને ભાભુ દેશ તરફ વિદાય થયાં તે જ દિવસે રફુચકર થઈ ગયેલ મોટા શેઠ હજુ પાછા આવ્યા નહોતા અને એમના પાછા આવવાના કોઈ ખરખબર પણ નહોતા. એટલે નાના શેઠ પેઢી પર જઈ ભાઈની ગેરહાજરીમાં ભય વગરના બની બેઠા. એક કલાક પહેલાં ખાલી ને સૂનકાર લાગતું અંત:કરણ તે વખતે રેસ્ટોરાંમાં જઈ આવ્યા પછી ભર્યું ભર્યું હતું ને જાણે કે શરીરની ઉપલી ડાળે બેઠેલું એ હૃદય નીચે બેઠેલી હોજરીને કહેતું હતું કે ‘જો, હોજરીબાઈ, તું મને રોજ ખીજવતી, કેમ કે તું ઠાંસોઠાસ બનીને બેસતી ત્યારે હું તો ભૂખ્યું અને તરસ્યું જ પાછું વળતું. તું મને મે’ણાં-ટોણાં દેતી. પણ જો! આજે તો હુંય તરબતર છું, છલોછલ છું—ને ખબર છે તને હોજરીબાઈ, હવે તો હું ઘણું કરીને હમેશાં છલોછલ રહીશ—જો આ સુખલાલ રોજ ત્યાં આવશે ને, તો આ શેઠને હું મારી શૂન્યતાના ભાર હેઠળ નહીં દબાવું.