અમદાવાદ અને ગુજરાત ભડકે બળતું હતું. ક્યાંયથી કોઈ સારા સમાચાર મળતા નહોતા, છતાં પહેલી નજરે દુનિયા જેટલી ખરાબ લાગતી હતી એટલી ખરાબ નહોતી. શહેરના એક ખૂણામાં સારી વાતો પણ બનતી હતી પણ તેવી અનેક વાતો બહાર આવી નથી. આ પહેલા એવા તોફાનો હતા જેમાં પત્રકારોને પણ તેનો ધર્મ પૂછવામાં આવતો હતો. જેના કારણે પત્રકારોને પોતાની ફરજ બજાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકવો પડતો હતો. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પ્રસિદ્ધ થતું ગુજરાત ટુડે નામનું અખબાર હવે ગુજરાતના લોકો માટે અજાણ્યું નથી. આમ તો તેના ટ્રસ્ટી મુસ્લિમ હોવા છતાં કટ્ટરવાદી મુસ્લિમો આ અખબાર થી નારાજ રહેતા હતા, કારણકે મુસ્લિમોનું અખબાર હોવા છતાં મુસ્લિમોની વાચાને યોગ્ય સ્થાન મળતું નથી.