જે રીતે આપને ત્યાં મહર્ષિ વેદ વ્યાસજી રચિત શિવપુરાણ પ્રચલિત છે તે રીતે તમિલનાડુ, આંધ્ર અને કર્ણાટકમાં શિવરહસ્ય પુરાણ પ્રચલિત છે. ભારતવર્ષમાં શિવરહસ્ય પુરાણને શિવપુરાણનું ઉપપુરાણ પણ ગણવામાં આવે છે. આશરે સાત હજાર વર્ષ પૂર્વે ઋભુ નામના એક સંત દ્વારા તેની રચના કરવામાં આવી છે. જેમ મહાભારતમાં ભગવદગીતા કહેવાય છે એ રીતે બે હજાર શ્લોકવાળા શિવરહસ્ય પુરાણના છઠ્ઠા અધ્યાયમાં ‘ઋભુગીતા’ કહેવામાં આવી છે. તમિલ લોકોને આ ઋભુગીતામાં અપાર અસ્થા છે. રમણ મહર્ષિ જેવી પરમહંસ વ્યક્તિઓ પણ આ ઋભુગીતા પર આસ્થા ધરાવતા હતા અને ઋભુગીતાનો નિત્ય અભ્યાસ કરતા હતા. કહેવાય છે કે પોતાના ભક્ત ઋભુને સ્વયં ભગવાન શિવે હિમાલયના કેદાર ક્ષેત્રમાં પોતાના સ્વરૂપનો રહસ્યમય બોધ આપ્યો હતો.