આફત - 4 (કમનસીબ સુનિતા ) ચાની ટ્રે ઊંચકીને સુનિતા સૌથી પહેલાં પોતાના બેડરૂમમાં ગઈ. અમર હજી પણ ગાઢ ઊંઘમાં સૂતો હતો. એ થોડી પળો માટે પલંગ પાસે કિંકર્તવ્ય વિમૂઢની જેમ ઊભી રહી ગઈ. ગાઢ ઊંઘમાં, સૂતેલા અમરને ઉઠાડવો કે નહીં એનો તે વિચાર કરતી હતી. પછી એણે દીવાલ પર લટકતી ઘડિયાળ સામે જોયું. સાડા સાત વાગી ગયા હતા. છેવટે મનોમન કંઈક નક્કી કરી, ટ્રેને સ્ટુલ પર મૂકી, એણે અમરના ખભા પકડીને તેને ઢંઢોળ્યો. અમરે આંખો ચોળતાં ચોળતાં પડખું ફેરવ્યું. ‘ઊઠો... હું તમારે માટે ચા લાવી છું.’ એણે લાગણીભર્યા અવાજે કહ્યુ.