૨૯. કાવતરાબાજાની ખોળ ગુનેગારનો દંડ કરવા તલસી રહેલો કુંવર સુરંગમાં ઝનૂનભર્યો દોડ્યો. તેની રગેરગ વિનાશ કરવાની લાલસાથી ધ્રૂજી રહી હતી. થોડી વારે પવન વાયો, મશાલની જ્વાલા નાચી ઊઠી અને સુરંગનું બારણું આવ્યું. સુરંગનું મુખ મહાસામંતની વાડીમાં પડતું હતું, અને તેમાંથી બહાર પડતાં કોઈ નજરે ચડ્યું નહિ.