આ પ્રકરણમાં ગાંધીજીના પૂનામાં ગર્વનરને મળવાના પ્રસંગનું વર્ણન છે. ગાંધીજી મુંબઇ પહોંચ્યા કે તરત ગોખલેએ સમાચાર આપ્યા કે ગર્વનર તમને મળવા માંગે છે. ગાંધીજી ગર્વનરને મળ્યા ત્યારે ગર્વનરે તેમને કહ્યું કે ‘સરકારને લગતું તમારે કોઇપણ પગલું ભરવું હોય તો પહેલા મને વાત કરોને મળી જાઓ.’ ગાંધીજીએ તેમની વાત માન્ય રાખી. પૂનામાં ગોખલેએ ગાંધીજીને સોસાયટીમાં જોડાવાની વાત કરી.જો કે સોસાયટીના આદર્શોને તેની કામ કરવાની રીત ગાંધીજીથી જુદી હતી. તેથી ગાંધીજીના સભ્ય થવા અંગે તેમને શંકા હતી. જો કે ગોખલેએ કહ્યું કે ગાંધીજી સભ્ય થાય કે ન થાય તેઓ તો તેમને સભ્ય તરીકે જ ગણશે. ગાંધીજીની ફિનિક્સની જેમ એક આશ્રમ સ્થાપવો હતો અને ગુજરાતી હોવાથી ગુજરાતમાં જ આવો આશ્રમ સ્થાપવાની ગાંધીજીની ઇચ્છા હતી. ગોખલેને આ વિચાર ગમ્યો અને તેમણે આશ્રમ અને જાહેર ખર્ચ માટે જેટલા પૈસા થાય તેટલા આપવાની તૈયારી દર્શાવી. પૂના છોડી ગાંધીજી શાંતિનિકેતન જવાની તૈયારી કરતાં હતા તેની છેલ્લી રાતે ગોખલેએ ગાંધીજી માટે સૂકા અને લીલા મેવાની પાર્ટી રાખી.