નિલની સાથે સાથે સૌ અવકાશવીરોએ ચુસ્ત રીતે શરીરને,સીટ સાથે બાંધી રાખ્યા હોવા છતાંય વાતાવરણમાં પ્રવેશતા જ બધા હલબલી ઉઠ્યા, એક તેજ લીસોટા રૂપે યાન, આ અજનબી ગ્રહના વાતાવરણની પ્રથમ સપાટીને ચીરતું અંદર ઉતરી રહ્યું. અનિષની નજર ગ્રહની ભૂમિ પર પડી અને એ આશ્ચર્યચકિત બનીને જોતો જ રહ્યો... દૂર દૂર સુધી ફક્ત હરિયાળી જ ફેલાયેલી હતી અને અફાટ મહાસાગરના મોજા ઉછળતા એ દેખી રહયો. વિશાળકાય વાદળો સમગ્ર મહાસગરને ઢાંકવા મથી રહ્યા હતા.. યાન હવે વધુ ને વધુ નીચે ઉતરતું સૌ અનુભવી રહ્યાં. યાન પરથી કંટ્રોલ પેનલ ડિસ્ટર્બ થઈ ગઈ છે,યાન કંટ્રોલ બહાર જઈ રહ્યું છે ..અચાનક નીલ બોલી રહ્યો. એ સાથે જ સૌના ચહેરા પર ભયની લાગણી ફેલાઇ ગઈ. દોસ્તો, આપણું યાન આ ગ્રહની ધરતી પર ગમે ત્યાં ત્રાટકી શકે છે, કદાચ આપણે જીવતા પણ ના રહીએ, દોસ્તો અલવિદા.... નીલ બોલી રહ્યો.... નીલ એનું બોલવાનું પૂરું કરે એ પહેલાં તો યાન એક પ્રચંડ ધડાકાભેર દરિયામાં તૂટી પડ્યું.........