નાતાલ અને ટ્રાન્સવાલના વકીલોમાં ભેદની વાત ગાંધીજી આ પ્રકરણમાં સમજાવે છે. નાતાલમાં એડવોકેટ અને એટર્ની બન્ને કોર્ટમાં એકસરખી રીતે વકીલાત કરી શકતા, જ્યારે ટ્રાન્સવાલમાં અસીલની સાથેનો બધો સંબંધ એટર્ની મારફતે જ કરી શકે.બેરિસ્ટર થયેલો હોય તે એડ્વોકેટ અથવા એટર્ની ગમે તે એકનો પરવાનો લઇ શકે ને પછી તે ધંધો જ કરી શકે. ગાંધીજીએ નાતાલમાં એડવોકેટ અને ટ્રાન્સવાલમાં એટર્ની તરીકેનો પરવાનો લીધો હતો. ગાંધીજી સત્યના આગ્રહી હતા. એકવાર તેમના એક અસીલે તેમને છેતર્યા. તેનો કેસ જૂઠો હતો. આથી ગાંધીજીએ મેજિસ્ટ્રેટને અસીલની સામે ઠરાવ આપવાનું કહ્યું. મેજિસ્ટ્રેટ ખુશ થયા. અસીલને ઠપકો આપ્યો. ગાંધીજીના વર્તણૂકની માઠી અસર તેમના ધંધા પર ક્યારેય ન પડી અને કોર્ટમાં તેમનું કામ સરળ થયું. ગાંધીજીની સત્યની પૂજાથી વકીલબંધુઓમાં તેમની પ્રતિષ્ઠા વધી. ગાંધીજી પોતાનું અજ્ઞાન ક્યારેય છુપાવતા નહીં. જ્યાં તેમને ખબર ન પડે ત્યાં અસીલને બીજા વકીલની પાસે જવાનું કહેતા. આમ કરવાથી ગાંધીજી તેમના અસીલોના વિશ્વાસને સંપાદન કરવામાં સફળ થયા.