સારસબેલડી: એક પ્રણયકથા

(50)
  • 7.9k
  • 5
  • 1.8k

હમે તુમસે પ્યાર કિતના..યે હમ નહીં જાનતે.....‘ એક દિવસ અચાનક જ રેડિયો પર પોતાનું મનપસંદ ગીત વાગ્યું અને ગુણવંતભાઈ ઝૂમી ઉઠ્યાં. કુદરત પીચરનું આ ગીત જયારે બહાર પડ્યું ત્યારે તેણે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. ગુણવંતભાઈ પણ તેમાંથી બાકાત ન હતાં. જુવાનીના દિવસોમાં જયારે સુમિત્રાબેન નારાજ થતાં ત્યારે ન જાણે કેટલીય વાર તેમણે સુમિત્રાબેનને મનાવવા માટે આ ગીત ગાયું હતું... પછી ધીમે ધીમે સમયની સાથે એ ભુલાઈ ગયું. આજે વર્ષો પછી ગુણવંતભાઈ આ ગીત સાંભળી રહ્યાં હતાં, ગણગણી રહ્યાં હતાં. જુવાની જાણે જીવંત થઇ ઉઠી ! આ શું ગાઈ રહ્યા છો સુમિત્રાબેને માળિયું સાફ કરતાં કરતાં પૂછ્યું. આપણું ફેવરિટ ગીત.... ચાલ, આપણે સાથે મળીને ગાઈએ.. ના, ના.. તમે જ ગાઓ, મારે બીજા પણ ઘણાં કામ છે ! કહીને સુમિત્રાબેન રસોડા તરફ સરકાવી ગયા... એમ કરવા માટે તેમની પાસે વ્યાજબી કારણ હતું. ગુણવંતભાઈનો અવાજ કાગડાને પણ શરમાવે એવો કર્કશ હતો, તેથી સુમિત્રાબેનને તેમના પર હસવું આવી રહ્યું હતું. રખે તેમને ખોટું લાગી જાય એ બીકે તેમણે ગુણવંતભાઈને એકલાં જ સંગીત સંધ્યા ઉજવવા દીધી.