આ પ્રકરણમાં ગાંધીજીના ખોરાક અંગેના કેટલાક વધુ પ્રયોગોની વાત કરવામાં આવી છે. ગાંધીજીના જીવનમાં હવે ઉપવાસ, ફળાહાર અને અલ્પાહારનું મહત્વ વધવા લાગ્યું હતું. તેમણે તેમની સ્વાદેન્દ્રિય પર વધુ કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. ગાંધીજીને ફળાહારથી પણ સંતોષ ન થતાં તિથિઓને દિવસે નકોરડા ઉપવાસ કે એકટાણાં કરવા લાગ્યા. આમ કરવાથી ગાંધીજીને લાગ્યું કે શરીર વધારે સ્વચ્છ થાય છે અને ભોગ-વિલાસથી દૂર સંયમિત જીવન જીવી શકાય છે. ગાંધીજીના આ પ્રયોગોમાં તેમના મિત્ર હરમાન કેલનબેકે સાથ દીધો. આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમ્યાન પણ ગાંધીજી તેમની સાથે જ રહેતા અને ખોરાક અંગેના ફેરફારોની ચર્ચા કરતા. ગાંધીજી લખે છે કે જ્યારે ઇન્દ્રિયો કેવળ શરીર વાટે આત્માના દર્શનને જે અર્થે કાર્ય કરે ત્યારે તેમાંના રસો શૂન્યવત થાય છે, ને ત્યારે જ સ્વાભાવિકપણે વર્તે છે એમ કહેવાય. આવી સ્વાભાવિકતા મેળવવા માટે જેટલા પ્રયોગો કરાય તેટલા ઓછા છે તેમ ગાંધીજી માને છે.