આ પ્રકરણમાં ગાંધીજી ફિનિક્સ અને ગોરાઓ સાથેના કેટલાક અનુભવોનું વર્ણન કર્યું છે. ગાંધીજીને હવે આફ્રિકામાં વધુ રોકાવું પડે તેમ હતું. તેમના ત્રીજા દિકરા રામદાસને ગાંધીજીએ બોલાવી લીધો. રસ્તામાં સ્ટીમરમાં તેનો હાથ ભાંગ્યો. જોહાનિસબર્ગ પહોંચ્યો ત્યારે રામદાસનો હાથ લાકડાની પાટલી વચ્ચે બાંધી રૂમાલની ગળાઝોળીમાં અધ્ધર રાખેલો હતો. ગાંધીજીએ રામદાસની કોઇ ડોક્ટરી સારવાર કરાવવાના બદલે તેના ઝખમ પર માટી લગાવી. આમ એક મહિનામાં તેનો ઘા રૂઝાઇ ગયો. ગાંધીજીએ ત્યાર બાદ ઘરગથ્થુ ઉપચારો કરાવીને ઘણાંના દર્દો દૂર કર્યા છે. પોલાકના વિવાહ અંગે ગાંધીજી લખે છેકે તેના લગ્નમાં તે અણવર થયા હતાં. અમલદારને શંકા ગઇ કે બન્ને ગોરાઓના પક્ષે અણવર કાળો કેવી રીતે હોઇ શકે. છેવટે નાતાલનો પવિત્ર દિવસ હોવાથી વિવાહ પાછા ન ઠેલાયાં. વડા મેજિસ્ટ્રેટે ગાંધીજીને ચિઠ્ઠી લખી આપી અને વિવાહ રજિસ્ટર થયાં. ગાંધીજીએ વેસ્ટ જેવા ગોરાઓને પરણાવ્યા તેમજ હિન્દી મિત્રોને પણ પોતાના કુટુંબોને બોલાવવા ઉતેજ્યા તેથી ફિનિક્સ એક નાનુંસરખું ગામડું બની ગયું.