આ પ્રકરણમાં પ્લેગના પગલે લોકેશનની હોળીની વાત કરવામાં આવી છે. મ્યુનિસિપાલટી ગોરાઓના આરોગ્ય પ્રત્યે સજાગ હતી પરંતુ હિન્દીઓ પ્રત્યે ભેદભાવ હતો. જો કે, પ્લેગને આગળ વધતો અટકાવવા તેણે પાણીની જેમ પૈસા વેર્યા. જ્યાં પ્લેગનો રોગ ફેલાયો હતો તેલોકેશનના વિસ્તારમાં ગાંધીજી સહિત જેની પાસે પરવાના હતા તેને જ પ્રવેશની છૂટ હતી. અહીં રહેતા દરેકને જોહાનિસબર્ગથી દૂર ખુલ્લા મેદાનમાં 3 અઠવાડિયા માટે વસાવવાની અને લોકેશનને સળગાવી દેવાની મ્યુનિ.ની યોજના હતી. લોકો ખૂભ ગભરાયા હતા. પહેરો ગોઠવવામાં આવ્યો હતો. લોકોએ ઘરમાં પૈસા દાટીને રાખ્યા હતા. ગાંધીજી બેન્ક બનીને લોકોની મદદે આવ્યા. ગાંધીજીને ત્યાં પૈસાનો ઢગલો થયો. ગાંધીજીને બેન્ક મેનેજર ઓળખતા હતા. મેનેજરે બધી સગવડ કરી આપી. પૈસા જંતુનાશક પાણીમાં ધોઇને બેન્કમાં મૂકવામાં આવ્યા. ગાંધીજીએ કેટલાક અસીલોને ફિક્સ ડિપોઝિટ કરવાની સલાહ પણ આપી. આમ કેટલાક લોકો બેન્કમાં રૂપિયા રાખવા ટેવાયા. લોકેશનવાસીઓને જોહાનિસબર્ગ પાસેના ક્લિપસ્પ્રુટ ફાર્મમાં ખાસ ટ્રેનમાં લઇ જવાયા. મ્યુનિ.એ પાણીની વ્યવસ્થા પણ કરી. ત્રણ અઠવાડિયા ખુલ્લામાં રહેવાથી લોકોના આરોગ્યમાં સુધારો થયો.