આ કૃતિમાં ગાંધીજીએ અંગ્રેજ અમલદારો સાથે તેમણે કેવી બાથ ભીડી તેનું વર્ણન કર્યું છે. એશિયાઇ અમલદારોનું મોટામાં મોટું થાણું જોહાનિસબર્ગમાં હતું. જેમાં હિન્દીઓ અને ચીનાઓનું ભક્ષણ થતું. ગાંધીજીને રોજ ભ્રષ્ટાચારની ફરિયાદો મળતી. આનો કાયમી ઇલાજ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું. પુરાવા એકઠા કરીને ગાંધીજી પોલીસ કમિશ્નરની પાસે પહોંચ્યા. ગોરા પંચોની પાસે ગોરા ગુનેગારને દંડ કરવો અઘરૂં કામ હતું છતાં પોલીસ કમિશ્નરે ગાંધીજીને ખાતરી આપી કે તેઓ આ અમલદારોને પકડાવશે. બે અમલદારો પર વોરંટ નીકળ્યા. બેમાંથી એક અમલદાર ભાગ્યો. કમિશ્નરે વોરંટ કાઢી તેને પકડાવ્યો. કેસ ચાલ્યો. પુરાવા પણ હતા છતાં બન્ને છુટી ગયા. જો કે આમને ગુનો એટલો પ્રસિદ્ધ થઇ ગયો હતો કે સરકારે તેમની બરતરફી કરવી પડી. આમ ગાંધીજીના પ્રયત્નોથી હિન્દી સમાજમાં ધીરજ અને હિંમત આવી. ગાંધીજીની પ્રતિષ્ઠા અને ધંધો બન્ને વધ્યા. સમાજના હજારો પાઉન્ડ દર મહિને લાંચમાં જતા હતાં તે બચ્યા. જો કે આ અમલદારોને જોહાનિસબર્ગની મ્યુનિસિપાલટીમાં નોકરી મળે તે માટે ગાંધીજીએ કોઇ વિરોધ ન કર્યો.