બોરિંગ નથી બનવાનું...! કોઈકના દિલમાં ‘બોર’ કરીને અમૃતનું મીઠું ઝરણું વહાવવાનું છે. ભવિષ્યને ‘ભાવ’ આપ્યા વિના વર્તમાન સાથે પૂરી પ્રમાણિકતાથી ‘વર્તન’ કરવાનું છે. આજનો ‘નાથિયો’ બનીને આવતી કાલનો ‘નાથાલાલ’ બનવામાં જ મજા છે. ‘ચિંતા’ની ‘ચિતા’ પર જલસાની મીઠી ચાદર ઓઢીને સૂવાનું છે. આવતી કાલની ફિકર કરશે એ ‘ભજ ગોવિંદ’...! પણ આજે તો ‘ગોવિંદ’ બનીને રમવું છે. ‘રિયાલીટી’ની ‘લીટી’ લાંબી કરીને ‘નિયતિ’ની ‘નીતિ’ પર વિશ્વાસ રાખવો છે. ઈશ્વર આપણા માટે ‘સારું’ જ કરે છે તેની નોંધ લેવાની ‘શરુ’ આજથી જ કરવી છે.