‘શુદ્ધૌસિ બુદ્ધૌસિ નિરંજનૌસિ’ આવું યુવા ચરિત્ર એ આજના ૨૧ મી સદીના ભારતની યુવા હવાની દિશા નક્કી કરનારું છે. આ સુંદર પૃથ્વી પર કલ્યાણમયી ભૂમિ તરીકે જેને ઓળખાવી શકાય, બધા કર્માત્માને ઋણ ચુકવવા આ ધરતી પર આવું જ પડે. જ્યાં માનવતાએ મૃદુતાની, ઉદારતાની, પવિત્રતાની, શાંતિની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હોય તેવી જો કોઈ ભૂમિ હોય તો તે ભારતની ભૂમિ છે. ચારેય દિશાઓથી આ ધરતીને આવરી લેનાર તત્વજ્ઞાન સમા મહાસાગરની ભરતીના જુવાળનો આરંભ આ ભૂમિ પરથી જ થયો છે. દરેક વિચારો એક સંસ્કૃતિ તરફથી બીજી સંસ્કૃતિ તરફ વહ્યા છે. આ દરેક વિચારને લઇ જવા માટે લોહીની નદીઓ વહેવડાવવી પડી હતી. બીજા દેશોમાં લાખોના હૃદયને બાળનાર જડવાદનો દાવાનળ ભડભડ બળતો હોય ત્યારે તેણે શાંત કલરવરૂપે વાતાવરણમાં પ્રસરાવવા માટેનું શાંતિજળ ભારતમાં જ છે.