ટ્રક ડ્રાઈવર

(30)
  • 2.9k
  • 3
  • 855

ભરવાડ પોતાના બંને પગ બેઠક પર જ રાખીને, જાણે પોતાના ઘરના ઓટલે બેઠો હોય એમ નિરાંતે બેઠો હતો. એનો ડંગોરો, ડ્રાઈવરે પહેલેથી જ કૅબિનના આગળના ભાગમાં મુકાવી દીધો હતો. એના ચહેરા પર સુકાઈ ગયેલી નદીઓ જેવી કરચલીઓ પડી ગઈ હતી. બંને ગાલમાં પડેલા ખાડા એના મોઢાના અંદરના ખાલીપાની ચાડી ખાતા હતા. ઘેટાંનો રંગ ધરાવતી મૂછો, એની ઉંમરને માન આપતી હોય એમ નીચે તરફ ઝૂકી ગયેલી હતી. ટ્રકની ઝડપ અને વારંવારના આંચકા છતાંય એના માથા પરનો લાલ ફેંટો અડીખમ રહેતો હતો. એ ભરવાડ પોતાની આંખોમાં, ઘેટાંબકરાંની સાથે વિતાવેલી જિંદગીને સાચવીને બેઠો હોય એમ લાગતું હતું. મારી બાજુમાં બેઠેલા માણસે પોતાના ખિસ્સામાંથી બીડીની જૂડી ને બાકસ કાઢ્યાં. એણે બીડીવાળો હાથ ડ્રાઈવર તરફ લંબાવ્યો પણ ડ્રાઈવરે ઇશારાથી ના પાડી. એણે કલીનર તરફ હાથ લાંબો કર્યો તો કલીનરે પણ ના પાડી. મારી અનિચ્છાને સમજી ગયો હોય એમ એણે મને આગ્રહ કર્યો નહિ. છેવટે ભરવાડે એનું માન રાખ્યું.