ઝાડ પરથી નીચે ઉતરી નીરજા અને વ્યોમા ઘાયલ વાંદરા પાસે પહોંચી ગયા. તેના ઘાવને સાફ કરી હુંફમય હાથ ફેરવતા રહ્યા. થોડી વારે તે વાંદરાની પીડા ઓછી થઈ હોય તેવું લાગ્યું. બાકી બધા વાંદરાઓને અને પંખીઓને પરત ફરેલા જોઈ તે ખુશ થઈ ગયો. તેણે કોઈ ચીચીયારી પાડી. નીરજા અને વ્યોમા તેની ભાષાને ના સમજી શક્યાં, પણ ભાવોને સમજી ગયા. સૌ પશુ, પંખી અને માનવોના મનમાં આનંદની લાગણી વહેવા લાગી. જંગલનો આ નવો અનુભવ હતો, નીરજા અને વ્યોમા માટે. બન્નેની આંખોમાં હજુ ય વિસ્મય કાજલ બનીને અંજાયેલું હતું.