સોરઠી સંતો પાંચાળનું ભક્તમંડળ (મેપો, રતો, જાદરો, ગોરખો) : ઝવેરચંદ મેઘાણી ૧. આપો મેપો ૨. રતો ૩. જાદરો ૪. ગોરખો (૧) એલા મેપા ! આ આભમાં વાદળી ચડી. તારાં નળીઆ ઝટ ઝટ ઢાંકી વાળ્ય. નીકર હજારૂ રૂપીયાનું પાણી થૈ જાશે. ” “આપા રતા ! આમાં નળીયાં ઢાંકયાં રે એમ નથી. વાદળ તૂટું તૂટું થયું છે ત્યાં, ઠાકર વિના બીજુ કોણ આડા હાથ દઇ શકે એમ છે આટલો પથારો શે ઢંકાય ” “માળા મૂરખ ! ઠાકર તારો ક્યાંય સૂઈ રે શે. આ બીજા સહુ કુંભારૂએ પોતાનાં નળીઆં ઢાંકી લીધાં એમ ઢાંકી લે, ઠાકર તારો ઠાકર સો ગાઉ છેટો રહી જાશે.” “ના ના દરબાર, ઠાકરને ઢાંકવું હશે તો વાર નહિ લાગે. ઠાકરને પલાળવું હશે તો ઢાંક્યાં ય રહેશે નહિ.”