તેને અહલ્યા નામે મહા તેજસ્વી અને રૂપસુંદર સ્ત્રી હતી. ઇંદ્ર વગેરે દેવો અહલ્યાને વરવા ઈચ્છતા હતા, પણ સ્વયંવરમાં તે ગૌતમને પરણી ત્યારથી ઇંદ્ર તેમના ઉપર દ્વેષ રાખતો. અહલ્યા મહા સતી હતી અને દંપતી વચ્ચે ગાઢ સ્નેહ હતો. ગૌતમને આ સાધ્વી સ્ત્રીએ ધર્મોપદેશ, ધર્મનીતિનાં કૃત્યો અને શોધોમાં ઘણી સહાયતા આપી હતી. એક વાર ગૌતમની ગેરહાજરીનો લાભ લઈ ઈદ્ર દ્વેષબુદ્ધિથી ગૌતમના વેશે કપટથી છેતરવા આવ્યો અને સતીને પોતાના પ્રપંચ જાળમાં સપડાવવા લાગ્યો, તેટલામાં ઋષિ આવ્યા. તેમણે ઈદ્રને ઓળખી શાપ આપ્યો તેથી ઇંદ્રના શરીરમાં સહસ્ત્ર છિદ્ર પડ્યાં અને તે નપુંસક થયો. સતી ઇંદ્રના પ્રપંચને પારખી શકી નહિ તેથી તેને પણ ઋષિએ શાપ આપી શલ્યારૂપ કરી.