લગ્ન ખરેખર લાકડાનાં લાડુ નથી, પણ મીઠો કંસાર જ છે, જેનું ગળપણ પતિ પત્ની જીવન પયૅંત માણે છે. અને એ ગળપણ એટલે પતિ પત્નીનો પરસ્પરનો પ્રેમ વિશ્વાસ અને એવુ ઘણુ બધુ.... પતિને યાદ કરવાથી ચહેરાનો રંગ બદલાઈ લજજાની લાલિમા છવાઈ જવી, શુભ પ્રસંગે વધુ સુંદર લાગતી પત્નીને ત્રાંસી આંખે નિહાળ્યા કરવી, અને સમય પસાર થતો જાય એમ સંબંધમાં એટલી પરિપકવતા આવી જવી કે એકબીજાનાં મનમાં ચાલતા વિચારો પણ વગર કહયે જાણી લેવા.... ઘણા લોકો કહેતા હોય છે કે આવો બધો પ્રેમ કે એની વાતો તો લગ્નની શરૂઆતમાં હોય. આખી જીંદગી કઈં આવુ થોડુ ચાલે! પણ તમારા પોતાનાં હાથમાં છે કે આખી જીંદગી પેલા કંસારનાં ગળપણને જાળવી રાખવી છે કે કંસારને કડવાશમાં બદલી નાખવો છે! ગળપણ સાથે નમકીન જ ભાવે, કડવુ નહીં. હા, કડવાશ પણ એક સ્વાદ છે, જે શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે, મનની તંદુરસ્તી માટે તો ગળપણ ભર્યુ જીવન જ જરૂરી છે. ......આવો જીવનને ગળપણથી ભરી દઈએ..... શરૂઆતમાં થોડી હળવી વાતો અને ધીમે ધીમે થોડી ગંભીર ચર્ચાઓ વિષેની વાત કહું તો, લગ્નજીવનની શરૂઆત એક હળવા સંબંધથી ધીમે ધીમે જવાબદારી તરફ જવાની ઘટના. અને આ ઘટનાની એ મધુરતા, કે પતિ પત્નીને એકબીજાનો સાથ મળી રહે. ક્યાંક ક્યાંક અનુભવેલી વાતો પણ અહી ટાંકી લીધી છે, જે વાંચકોને પસંદ પડશે. જેમ દરેક બાળક એક નવી વાર્તા હોય છે, એમ જ દરેક લગ્ન જીવન એક નવી વાર્તા હોય છે, અને ક્યાંક પુસ્તક બહારના પરીક્ષાના પ્રશ્નો જેવી સ્થિતી પણ આવી જાય, એમાં નવાઈ નહિ. સગાઇ પછીનો તબક્કો એટલે ક્યારેક ક્યારેક સાથે રહેવાનો તબક્કો, જયારે લગ્ન પછી ચોવીસ કલાક સાથે રહેવાની વાત હોય છે. અને હમેશા સાથે રહીને જ એકબીજાને જાણી સમજી શકાય. આ પુસ્તક એ માટે ક્યાંક ઉપયોગી થશે.