બાર્બીકેનની દરખાસ્તનો સમગ્ર દેશમાં જબરો પડધો પડ્યો. લોકો તાત્કાલિક અવકાશ વિજ્ઞાનના તથ્યો અંગે અભ્યાસ કરવા લાગ્યા અને તે પણ પૂરેપૂરી એકાગ્રતાથી. લોકોએ જાણેકે ચંદ્રને પોતાના જીવનમાં પહેલી વખત જોયો હોય એવો ઉત્સાહ છવાઈ ગયો હતો. ચંદ્ર અંગે જે કઈ પણ માહિતી મળે લોકો એકઠી કરવા લાગ્યા હતા પછી ભલેને ચંદ્ર ઉપર બનેલા વર્ષો જૂના ટુચકાઓની ચોપડી પણ કેમ ન હોય. અમેરિકનો પર ચંદ્રનું જાણેકે ભૂત સવાર થઇ ગયું હતું જે તેમને છોડવા તૈયાર ન હતું.