પાંચમી ઓક્ટોબરે રાત્રે બરોબર આઠ વાગ્યે ગન ક્લબ તરફ લોકોના ટોળેટોળા ચાલીને જઈ રહ્યા હતા. બાલ્ટીમોર શહેરમાં રહેતા આ ક્લબના તમામ લોકો તો તેમના પ્રમુખના પત્રને માન આપીને આ મીટીંગમાં હાજર રહેવા માંગતા જ હતા પરંતુ જે પત્રવ્યવહાર દ્વારા ક્લબમાં સભ્ય બન્યા હતા તેઓને પણ મીટીંગની નોટીસ કોઈને કોઈ રીતે મળી ગઈ હોવાથી તેઓ પણ આ મીટીંગમાં હાજર રહેવા આવી પહોંચ્યા હતા. આમતો ગન ક્લબનો હોલ ખૂબ મોટો હતો પરંતુ મીટીંગ માટે આવેલા સભ્યોની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે આજુબાજુના રૂમ પણ ભરાઈ ગયા હતા.