અલવિદા સૌરાષ્ટ્ર ... છેલ્લે એ મોજ કરી કે, ( વહેલી સવારે ઉઠીને વાડીએ જવું – દાદાની ગામમાં બધા જોડે ઓળખાણ કરાવવી – વાડીએ જઈને કપાસ વીણવો – બા એ બનાવેલું ભાતું ખાવું – રસ્તામાં નહેરના વહેળાને કાંઠે બેસીને પાણીમાં મજા કરવી – દાદા સાથે ફરી ઘરે આવવું – દરરોજ રમાતી રમતોની હારમાળા રચાવી ) રાત્રે પાણી આવે ત્યારે વાડીમાં ગળાતો ધોરિયો, લીમડે બાંધેલી છાસ, તેની નીચે ઋષિતુલ્ય ઢોલિયો, ખડકીમાં ગાજતો મોંય-દાંડિયો, રોજ રાત્રે જોવાતી ગુજરાતી TV સિરિયલો, પાંચીકા અને અંતાક્ષરી, બા દ્વારા બનાવાતા સ્વાદિષ્ટ પકવાન, દાદાની બીક, ઓસરીમાં હિંચકતો હીંચકો, ડચકા ખાતો પંખો, છાસના બુઝારા પર બેઠેલી માખીઓ, સફેદ ઝળી ગયેલા કાપડા પર લીંબુના નિચોવાયેલા છોતરાં, ફળિયામાં ઉભેલ રીંગણી, લાલુ દાદાએ ઘડાવીને આપેલું પાટિયું, ફાટેલા મોજાનો દડો, પાન-ગલ્લાંની દુકાને પડેલા રબર, અજાણતાં ખવાયેલ તમાકુ ધરાવતો મસાલો, ફેક્ટરીની કૉલેટી, બાજરાના રોટલા, ભરેલા રીંગણનું શાક, ભેંસના આંચળે પીધેલું દૂધ, મોહનથાળની સુગંધ, દાદાનું પહેરણ અને ફાળિયું, બા નો ટપકીવાળો લાલ સાડલો, મેડીની ધારે દોડતી બિલાડી, નળિયામાંથી આવતું પ્રકાશનું કિરણ, લાલ દંતમંજનનો પાઉડર, લીમડાનું દાંતણ, હવાડે પાણી પીતાં ઢોર-ઢાંખર, સીમના કેડે ગાડું ચાલવાને લીધે થયેલ રસ્તાના બે ભાગ, ગોરસઆંબલી અને પરડાં, દાંતખાટી આમલી, છાણ પર ખૂંચવેલ સાંઠીકડું, ચોરે એકલી સળગતી ટ્યુબલાઈટ, પાદરમાં આવતા છકડોરિક્ષા, વાડીએ ચાલતા હળ, ડૂંડામાંથી દાણા કાઢતાં થ્રેશર, ખેતરના શેઢે ઉભેલ ખૂંટા અને સંતુષ્ટ હર્યું-ભર્યું ગ્રામ્ય જીવન.