ટ્રેનના ડબ્બાના દરવાજે એ સ્ટેશનની રાહ જોતા ઉભો હતો. ગઈકાલે એણે ઇન્શર્ટ કરીને પહેરેલો ઈસ્ત્રીવાળો શર્ટ અને પેન્ટ બંને અત્યારે ચોળાઈ ગયા હતાં. વાળના પણ ઠેકાણા નહોતા. પણ હવે એને શરીફ દેખાવાની કંઈ પડી નહોતી. પોતે ફૂંકેલી બીડીના ધુમાડાને બહારના અંધારામાં ઓગળતા જોવાની એને મજા આવતી હતી. સવારના ચાર વાગવા આવ્યા હશે. નવેમ્બર મહિનો ચાલુ થઇ ગયો હોવાથી સવારમાં થોડીક ઠંડક વર્તાતી. એ જ્યાં ઉભો હતો તે થર્ડ એસી ડબ્બાના બધા મુસાફરો હજી ગાઢ નિંદરમાં પોઢી રહ્યા હતા. અને એના આગળના ડબ્બાના પણ! બસ... અહીં ઊતરી ગયા પછી કોઈ ચિંતા નહિ. એણે પોતાના ફફડતા મનને સમજાવતા કહ્યું. અજમેર જંકશન નજીક આવતા એણે બીડીને છેલ્લો કશ મારી ફેંકી દીધી. અને પછી પોતાની ટ્રોલીબેગ લઇ ઉતરી ગયો.