શિયાળો..સુસ્સ્સ્સ...!

  • 2.3k
  • 1
  • 319

....અને બહાર ફળિયામાં ખુલ્લાં રહી ગયેલા પાણીનું ટીપું પણ અચાનક પગ કે ગાલ પર પડે તો દાઝી જવાય એનું નામ શિયાળો ! જેમાં શ્વાસ ફેફસાંને બદલે પાંસળીઓમાં પહોંચે અને હાડકાની વચ્ચેના પોલાણમાં હિમ જામે ! સહવાસ અને પ્રણયમાં રચવાનું મન થાય. ધાબળાની અંદર ઈજીપ્તની ‘મમી’ની જેમ પડેલા હોઈએ અને શ્વાસની સરસરાહાટ ‘ઇલેક્ટ્રોસ્ટેટિક શીલ્ડીંગ’ની માફક ‘લક્સ ઇન્ફરનોવેર’ જેવી પરિસ્થિતિ રચે. ઉઠીને ટી-શર્ટ કાઢતી વખતે થતું તડ-તડ અને ઠંડીની લહેરખી આવતાકની સાથે જ શરીર પરની રુવાંટી જાણે સજીવન થઇ હોય એવું લાગે. ટૂંટિયું વાળીને રસ્તો ય સૂતેલો હોય એવા ઠિઠુરાઈ ગયેલા ભેંકાર વાતાવરણના કાળી શાલ લઈને શિયાળાની શામ આવે છે. જાણે જગત મૂવીંગ એચ.ડી. વિડિયોમાંથી સ્ટેન્ડસ્ટિલ ફોટોફ્રેમ બની જાય છે. આપણા જ પગલાનો અવાજ જાણે પારકો હોય તેમ સંભળાય છે. ઉપર જામેલા બરફ નીચે યુરોપમાં નદીઓનું પાણી પડ્યું રહે, એમ થથરી ગયેલી ટાઢીબોળ ચામડી નીચે ગરમ કહેવાતું લોહી સુન્ન પડી જાય છે.