18. બખેડાનો આવ્યો અંત સતત પાંચેક મિનિટ સુધી ગોળીબાર ચાલુ રહ્યા. પાંચ મિનિટ બાદ અચાનક સાયમન જીપમાં બેઠો અને ચાલુ કરીને જીપ મેદાનથી રસ્તા પર વાળીને આગળ મારી મૂકી. જીપની પાછળ ઊભેલા અમે લોકો એકદમ ખુલ્લા પડી ગયા. સાયમન ભાગ્યો એટલે પેલી બીજી ટીમ પણ પોતપોતાના હથિયારો મૂકીને જીપમાં બેઠી. ‘અરે બેટા, માઇકલ, અમને પણ સાથે લઈ જા.’ ફ્રેડી જોસેફે પોતાના દીકરા પિન્ટોના મિત્રને વિનંતી કરી. ‘સૉરી ! આમાં માત્ર એક જણની જ જગ્યા છે. જેને આવવું હોય એ જલદી બેસો.’ કહીને માઇકલ સૌથી આગળ ડ્રાઈવરની બાજુની સીટ પર બેસી ગયો. ‘હું જાઉં છું.’ મેં ત્વરિત નિર્ણય લઈ લીધો.