રાય કરણ ઘેલો - ભાગ 12

૧૨ રાણીની વાવ   મહારાણી ઉદયમતીની વાવ એ વાવ તો હતી, પણ વાવ ઉપરાંત બીજું ઘણું એમાં હતું. પાટણના રાજમહાલય ‘સપ્તભૂમી પ્રાસાદ’ની ‘ચંદ્રશાલા’ની જેમ એ પણ એક પ્રેરણા હતી. રાજદ્વારી પુરુષોની અતિ ગુપ્ત મસલતો માટે વારંવાર એના ઉપર જ પસંદગી ઉતરતી. એ એવી એકાંતમાં ને પાસેની પાસે હતી, પ્રેમીજનો માટે એના જેવું બીજું સ્વર્ગ પાટણમાં ક્યાંય ન હતું. રાતોરાત રફુચક્કર થઇ જનારાઓને, આ વાવમાં નાનાં મોટાં અનેક ભોંયરાં મળી રહેતાં. અહીંથી જ ઘણી વખત મહાન વ્યૂહોના છેલ્લા હુકમો અરધી રાતે સેનાપતિઓને અપાતા. કવિઓ, શિલ્પીઓ ને નાટકકારોને એ પ્રેરણા આપતી. યોગીઓને ધ્યાનમંત્રની ખૂબ આંહીં જડતી, સ્ત્રીઓ આ વાવમાં સાત ભવનાં સ્વપ્નાં