૨ પાટણની હવા પણ રાજા હજી પૂરેપૂરો જાગ્રત થયો ન હતો. જે દ્રશ્ય એણે જોયું હતું. તેની ઘેરી અસર હજી પણ તેના મન પર ચાલી રહી હતી પળ બે પળ એ ધરતીની સામે એકીટશે જોઈ જ રહ્યો. પછી જાણે અચાનક નિંદ્રામાંથી જાગતો હોય તેમ બોલ્યો: ‘સોઢલજી! રાત્રિ કેટલીક ઘટિકા બાકી હશે?’ રાજાનો સોઢલજી ઉપર કૌટુંબિક જેવો પ્રેમ હતો. સોઢલજીને પણ રાજા કરણરાય સમાન કોઈ માનવી દેખાતો ન હતો. દ્વારપાલ કરતાં એ મહારાજના અંતેવાસી મિત્ર જેવો વધારે હતો. તેને રાજાની સામે જોતાં નવાઈ લાગી. તેણે હાથ જોડીને કહ્યું: ‘મહારાજ! રાત્રિ બેએક ઘટિકા બાકી હશે. કોઈને બોલાવવા છે પ્રભુ?’ પણ રાજા