૧૨ મહારાણી કર્પૂરદેવી નાયિકાદેવી ઝરૂખામાંથી રાજમહાલયના ખંડમાં આવી. હત્યારો પણ મરાયો છે એવી વાતે, હજારો લોકોમાં કાંઈક શાંતિ ફેલાવી દીધી હોય તેમ જણાયું. લોકટોળાં ધીમે-ધીમે વીખરાવા માંડ્યાં હતાં. તેમ જ મહારાજની સ્મશાનયાત્રાનો હવે એકદમ જ બંદોબસ્ત કરવાનો હતો. નાયિકાદેવીએ પંડિત સર્વદેવને ખોળ્યો. હજી એ આવ્યો જણાતો ન હતો. એટલામાં એની દ્રષ્ટિ રાજમહાલયના ખંડમાં ફરી વળી. ચારેતરફ મહારાજ અજયપાલનાં સંસ્મરણો ત્યાં હતાં. એમની શમશેર, એમની ઢાલ, એમનું બખ્તર, એમની પાઘ. નાયિકાદેવીની આંખ એ જોતાં ભીની થઇ ગઈ. એણે ભીમદેવ અને મૂલરાજ સામે જોયું. ભીમ પણ હવે નરમ પડી ગયો હતો. બંનેના હ્રદયમાં અપાર શોક બેઠો હતો. પણ પોતાની જરા જેટલી નબળાઈ