૩ : લોહીની તપાસ...! બીજે દિવસે સમાચાર મળતાં જ ઇન્સ્પેક્ટર વામનરાવ એક સિપાહીને લઈને આવી પહોંચ્યો. સૌથી પહેલાં એણે મમતા પાસેથી વિગતો મેળવી. ત્યારબાદ પ્રોફેસર વિનાયકને પૂછપરછ કરી અને છેવટે રૂમમાં મોજૂદ પ્રતાપસિંહને ઉદ્દેશીને પૂછ્યું, ‘રાત્રે મમતા મૅડમ સાથે જે કંઈ બન્યું, એની વિગતો જાણ્યા પછી તમે લોકોએ પેલા હાથની તપાસ કરી હતી?' 'હાથની તપાસ કરવાની અમને જરૂર નહોતી લાગી...!' પ્રતાપસિંહે જવાબ આપ્યો. 'કેમ?' વામનરાવે વારાફરતી સૌ કોઈના ચહેરા સામે વેધક નજરે જોતાં પૂછ્યું. અત્યારે ત્યાં પ્રતાપસિંહ ઉપરાંત શશીકાંત, પ્રભાકર, તેમ જ પ્રભાકરની પત્ની દેવયાની પણ મોજૂદ હતાં. ‘આનો અર્થ એ થયો કે તમારામાંથી કોઈનેય મમતા મૅડમની વાત પર ભરોસો