૧૨. કોર્ટ રૂમના દાવ પેચ કોર્ટ રૂમ ચિક્કાર હતો. પગ મુકવાની પણ જગ્યા નહોતી. કંપાઉન્ડમાં લોકોની ચિક્કાર ભીડ એકઠી હતી. જે પ્રત્યેક મિનિટે વધતી જતી હતી. પોલીસ ફોર્સ ભીડને અંદર જતી અટકાવવાનો પ્રયાસ કરતી હતી. અને આ ભીડનું કારણ એક જ હતું. કોર્ટમાં આજે એક એવા ગુનેગારને રજુ કરવાનો હતો કે જેના ષડયંત્રમાં ફસાઈને કોર્ટે એક નિર્દોષ માનવીને ફાંસીના માંચડે લટકાવી દીધો હતો. એ જ વખતે પોલીસની એક બંધ ગાડી આવીને ઊભી રહી. ભીડમાં શોરબકોર મચી ગયો. ગાડીમાંથી ઉતરનાર ગુનેગારનો ચહેરો જોવા માટે લોકો એકબીજાને ધક્કા મારતા આગળ વધવા લાગ્યા. ભીડને દૂર રાખવા માટે પોલીસને ન છૂટકે લાઠીચાર્જનો આશરો લેવો